રાવજી પટેલ ~ મારા રળજી રે

મારા રળજી રે અમોને કૂવે પાણી મોકલ્યાં,
અમારે ન’તું જવું ને તોય તમે ધક્કેલ્યાં!
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે અમારી પરવાળાની પાની,
દેડકો જોઈ ગયો ઉઘાડી તીતીઘોડે પાડી તાલી,
કાળજકૂણા કાંટા વાગ્યા

મારા રળજી રે કાંટા છાનામાના વાગ્યા
નબળા મેળ વગરના પાક્યા
કાળજકૂણા કાંટા વાગ્યા..

મારા રળજી રે તમે જૈ રશિયે તાર કરાવો (કે)
ઝટઝટ ચાંદલિયો મંગાવો, મારી પાનડિયો ઢંકાવો,
કાળજકાંટા અમને વાગ્યા

મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો,
પોપટપેટ કપાવી લાવોનાજુક પાની પર બંધાવો,
કાળજકૂણા કાંટા વાગ્યા

મારા રળજી રે વચમાં મંદિરના શ્રીજીએ
મારી પાનીને પંપાળી ઓય મા પાંપણથી પંપાળી
કાળજકાંટા અમને વાગ્યા

મારા રળજી રે અમારે તું જવું ને તોયે તમે ધક્કેલ્યાં
કૂવે પાણી ભરવા ઠેલ્યાં અમને કાળજ કાંટા વાગ્યા.

~ રાવજી પટેલ (15.11.1939 – 10.8.1968)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *