પિનાકીન ઠાકોર ~ ગાઓ મંગલ ગીત

ગાઓ મંગલ ગીત સજન હો !
સૂર સરસ આ સાજ સુમધુરાં,
કંઠ વહાવો પ્રીત સજન હો !
ગાઓ….

આજ સ્હવારો કેશર વરણી,
અરુણ ઉષા બેલડીએ !
સાંજ ખુલે સોના ફૂલ ઝરણી,
રાતો શત રસ ઝડીએ :
સકલ સમય હો ઈન્દ્રધનુ સમો,
ક્ષણ ક્ષણ રસ રંગીત સજન હો.
ગાઓ….

ફૂલ ફૂલ ફાગણ અનુરાગી,
કળી કળીએ માઘ;
પલ્લવ પલ્લવ શરદ સુહાગી,
વને વને આષાઢ
ઋતુએ ઋતુએ રાગ હ્રદયના
મધુગંધે મુખરિત સજન હો

ગાઓ….

મ્હાલો આજ મળ્યો મોંઘેરો,
અવસર આ અણમૂલો;
નાચો કુમ કુમ પથ પથ વેરો,
હરખ હિલોળે ઝૂલો :
આભ ધરાને ભરી દો પાગલ
હ્રદય ભર્યે સંગીત સજન હો
ગાઓ….  

~ પિનાકિન ઠાકોર (24.10.1916 – 24.11.1995)   

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *