🥀 🥀
કયા શેતાન શિલ્પીએ જન્મતાં વેંત જ
ત્રોફી દીધું છે મારું નામ મારા કપાળે?
મારી રક્તવાહિનીઓમાં ચાકુ ઝબોળી ઝબોળી
ઝાડના થડની છાલમાં કોતરતા હો એમ
તમે શીદ મારી સંજ્ઞાને કોર્યા કરો છો?
મારે તો ભૂલી જવું’તું મારું નામ –
એટલે જ તો મધરાત માથે લઈ એક વાર
ઘરગામ છોડી ભાગી નીકળ્યો’તો શહેર ભણી.
અહીં આવીને મેં
મારા નામની છડી પોકારતા સાવરણાના વાંસડે તો
ફરકાવ્યો’તો ઇન્કિલાબનો ધ્વજ!
મારા નામના બંધારણના અણુએ અણુને
મેં ઓગાળી દીધા છે
કૉસ્મોપૉલિટન કલ્ચરના દ્રાવણમાં.
મારા નામની કાંચળી ઉતારી
હું નિર્મળ ને નવીન બની ગયો છું
નહિ શોધાયેલા કોઈ તત્ત્વ જેવો.
માઇક્રોસ્કોપની આંખને પણ મારી ઓળખ રહી નથી.
પણ ગીધ જેવી તમારી આંખની ચાંચ
શીદ હરહંમેશ મારા નામના મડદાને ટોચ્યા કરે છે?
અરે, મને તો દહેશત છે –
મારી ચિતા સાથે પણ નહિ મરે મારું નામ?
~ નીરવ પટેલ (2.12.1950 – 15.5.2019)
