કાયમઅલી હજારી ~ મૃગજળની માયા છોડીને

🥀🥀

મૃગજળની માયા છોડી ને જળ સુધી જવું છે,
અમને જે છેતરે છે- એ છળ સુધી જવું છે !

તૈયાર થા ! તું એ દિલ અઘરી છે આ કસોટી-
સાગર સમેટી લઇને, ઝાકળ સુધી જવું છે.

સદીઓના આ વજનને, ફેંકીને કાંધ પરથી-
જે હાથમાં છે મારા, એ પળ સુધી જવું છે.

તારો જ સ્પર્શ એમાં અકબંધ છે હજુ પણ,
મારે એ બંધ ઘરની સાંકળ સુધી જવું છે.

કયા આશયે કરી છે દુનિયાની આ દશા તેં ?
ઈશ્વર ! મને એ તારી અટકળ સુધી જવું છે !

અટકીને એ અચાનક પોઢી ગયા કબરમાં-
કહેતા હતા જે કાયમ આગળ સુધી જવું છે.

~ કાયમઅલી હઝારી (23.12.1943 )

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *