*બાને*
ગયાં વીતી વર્ષો દશ ઉપર બે-ચાર તુજથી
થયે જુદા, તોયે મુજ હ્રદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા ! તું. નવ કદીય હું દૂર ચસવા
દઉં. મારે માટે વિકટ પથમાં તું જ સઘળું.
હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાંખી થૈ કૈં, કંઈ સહજ વા ગૈછ બદલી.
ઘણી વેળા રાત્રે ઝબકી જઉં ને ત્યાં જ નયનો
ઉઘાડીને ભાગી, ખબર નહીં ક્યાં, જાય સમણાં !
અને ત્યારે થાતું અવ ઢબૂરીને તું સહજમાં
ફરીથી સુવાડે, અરર પણ ના એ નસીબમાં.
વધે છે વર્ષો તો દિનદિન છતાં કેમ મુજને
રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની ?
~ મણિલાલ દેસાઈ (19.7.1939 – 4.5.1966)
*****
