પ્રિયકાંત મણિયાર ~ એકકેય એવું ફૂલ

🥀 🥀

*એક્કેય એવું ફૂલ*

એક્કેય એવું ફૂલ ખીલ્યું છે નહીં કે
જે મને હો ના ગમ્યું!
જેટલાં જોયાં મને તો એ બધાં એવાં જચ્યાં
કે જે નથી જોયાં થતું
, ક્યારે હવે હું જોઉં…

એમાંય તે આજે વસન્ત
મબલક ફૂલોના ભારથી ડૂબુંડૂબું નૈયા લઈને નાંગરી
આછા શિશિરના તટ ઉપર
ત્યાં
હું જ ડૂબી જાઉં છું

હું ભાનમાં બોલી રહ્યો બેહોશ છું
હું ફૂલ પી એવાં ગયો છું ગટગટાવી
આંખમાં એની અસર એવી થતી
જેની સુગંધે જગત આ આખું શ્વસે
તે સૂર્ય મુજને તાતો ખીલેલો લાગતો
,
ઓટ-ભરતીમાં ઊછળતા માત્ર પાણીનાં

અરે બહુ પર્ણમાં
સાગર ખીલેલો લાગતો
પર્વતો પાષાણના કેવા ઠરેલા
તે પણ ખીલેલા લાગતા
એક સરખું ચોતરફ ફેલાયેલું આ આભ પણ
મુજને ખીલેલું લાગતું.

ભમરા સમો ભમતો પવન ને ભમરા સ્વયં
મુજને ખીલેલા લાગતા,

હું આ બધું શું અરે બોલી ગયો
ફૂલથી કે ભૂલથી?
જે કંઈ ખીલ્યા તે શબ્દ મારા
– અહીંતહીં બધે વેરઈ ગયા!

~ પ્રિયકાંત મણિયાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *