🥀 🥀
*જળને તરસ્યું લાગે*
કોણ માને આ વાત કે ઓલ્યા જળને તરસ્યું લાગે?
આભની પાંખે ઊડતા ગાઢા મેઘને લાગ્યો ભાર;
તારક, સૂરજ-ચંદરે એના કોઈ મળ્યા ના તાર;
ધરતીના કણ કણને પીવા કારમી ઝંખન જાગે
જળને તરસ્યું લાગે.
કોકનો ખોબો, ગગરી ઘડો આવતાં લાગે વાર
વાવકૂવાનાં થાનક સૂનાં કંપતાં પી અંધાર
કંઠને જળમાં શોષ એવો કે ઠરવાનું ઠામ માગે
જળને તરસ્યું લાગે.
પ્રથમીને પટ મૌનને ખોળે સર હેલારે જાય
તટ પહોંચી તરણાં ને તોય પરશ લીલા પાય
ભોંયમાં પેસે તોય ઊંડેરાં મૂળિયાંની પ્રીત માગે
જળને તરસ્યું લાગે.
નદીયું હો કે સાગર પોતે ભીંજી, ભીંજાવી રહેવું
ખારપ, મીઠપ બેય સવાદી રાતદી વહેતાં રહેવું;
થાન બન્યાં જે માતનાં એની વહાલપને કોણ તાગે?
જળને તરસ્યું લાગે.
~ વ્રજલાલ દવે (26.1.1923 – 18.7.1994)
‘એકાંતોની સોડમાં‘ કાવ્યસંગ્રહ. ગીત, છંદોબદ્ધ અને પરંપરિત રચનાઓમાં તળપદી ભાષાના સંસ્કાર.
સમગ્ર કવિતા-સંગ્રહ ‘અનન્ત એકાંતે’.
