🥀 🥀
કરી વિદ્રોહ સૌ સામે જરા હિંમત બતાવી છે,
મેં ખોવાયેલી મારી જાતને ખુદથી મળાવી છે.
હવે એવી હું પારંગત બની છું આ વિષયમાં પણ,
રીસાયા બાદ મારી જાતને મેં ખુદ મનાવી છે.
શરત સંગાથની પાળી ને આઝાદી મૂકી ગીરવે,
મેં હસતાં મોઢે મારી મરજીથી પાંખો કપાવી છે.
હવે પાછી વળી મારી તરફ ક્યારેય નહી આવે,
તમારી સાથે મારી સૌ ખુશીઓને વળાવી છે.
થયું નિદાન કે આંખોમાં ગાંઠો આંસુની થઈ છે,
કોઈ કારણ પૂછે તો મેં ફક્ત પાંપણ નમાવી છે.
~ પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
મત્લાના શેરમાં બીજી લાઇન જુઓ. વિદ્રોહ કર્યો છે પણ માત્ર વિરોધ કરવા માટે નહીં. જ્યાં પોતાની જાત ખોવાતી લાગે, સ્વમાન હણાતું લાગે ત્યાં. એટલે ખુદને સ્થાપવાની વાત છે. રિસાયા બાદ ખુદને મનાવવાની વાત પણ આવી જ અનોખી લાગે છે. ત્રીજો શેર એક સ્વતંત્ર શેર તરીકે સરસ થયો છે પરંતુ પ્રથમ શેરના ભાવને વિરોધે છે એટલું નોંધવું પડે.
છેલ્લો શેર, ક્યા બાત કવિ ! ‘આંખમાં આંસુની ગાંઠ’ કલ્પન અદભૂત અદભૂત !
