બાલમુકુન્દ દવે ~ તારે ને મારે નેડો

🥀🥀

તારે ને મારે નેડો હો લોલણી,
તારે ને મારે નેડો રે લોલ,
ગમ્યો ગવનનો છેડો હો લોલણી,
તારા ગવનનો છેડો રે લોલ.

વે’લા પરોઢની વાતો હો લોલણી,
ઝાંખા પરોઢની વાતો રે લોલ,
ધીરો ધીરો વાયરો વાતો હો લોલણી,
મીઠો મીઠો વાયરો વાતો રે લોલ.

ધરતીની ફોરમ મોંઘી હો લોલણી,
ધરતીની ફોરમ મોંઘી રે લોલ,
કેવડો ને કસ્તૂરી સોંઘી હો લોલણી,
કેવડો ને કસ્તૂરી સોંઘી રે લોલ.

કંઠમાં કોયલનો માળો હો લોલણી,
કંઠમાં કોયલનો માળો રે લોલ,
ટૌકે ગજાવતી સીમાડો હો લોલણી,
ટૌકે ગજાવતી સીમાડો રે લોલ.

સૂડલા ટોવા જાતાં હો લોલણી,
સૂડલા ટોવા જાતાં રે લોલ,
માળે ચડીને ગીત ગાતાં હો લોલણી,
ઝાડે ચડીને ગીત ગાતાં રે લોલ.

બાંધીને ગીતનો હીંડોળો હો લોલણી,
બાંધીને પ્રીતનો હીંડોળો રે લોલ,
ખાધેલો આપડે ઝોલો રે લોલણી,
ખાધેલો જીવનઝોલો રે લોલ.

મેલીને માળાની માયા હો લોલણી,
ઠેલીને માળાની માયા હો લોલ,
ગોતી તેં આંબાની છાયા હો લોલણી,
આઘેના આંબાની છાયા રે લોલ.

દૂર દૂર ફરકે છે છેડો હો લોલણી,
તારા ગવનનો છેડો હો લોલણી,
છેડે ગાંઠ્યો છે મારો નેડો હો લોલણી,
ગાંઠ્યો છે છેડે મેં નેડો રે લોલ.

બાલમુકુન્દ દવે (7.3.1916 – 28.2.1993)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *