રમેશ પારેખ ~ લહેરે થીજી ગયેલું

🥀🥀

લહેરે થીજી ગયેલું ઝરણ ખળખળે નહીં
શોધું છું ક્યાંય સૂર્યનું પગલું મળે નહીં

આવી લચે છે આંખમાં સૂર્ય ઊગ્યાની વેળ
રાત્રિ ઉદાસીઓની છતાં કાં ઢળે નહીં ?

આવા બુરા દિવસ છે તમારા ગયા પછી
બોલ્યા કરું ને કશો અર્થ નીકળે નહીં

ખોવાયા છીએ આપણે ક્યાં, કેમ શોધશું ?
અણસારનો દિવો કોઇ રસ્તે બળે નહીં

રસ્તો રુંધીને પાનખરોની તરસ ઊભી
લીલી ભીનાશ પાનમાં પાછી વળે નહીં

ચીતરેલ વૃક્ષ જેવી મળી છે સભાનતા
ખરતું નહી કશુંયે, કંઇ પણ ફળે નહીં

સૌ પંખીઓ વળી ગયાં પોતાનાં નીડ ભણી
મારી ઉદાસ સાંજને માળો મળે નહીં

પથ્થરની મૂર્તિ એટલા માટે મૂકી હશે કે
કોઇ બંદગી એ કદી સાંભળે નહીં

~ રમેશ પારેખ (27.11.1940 – 17.5.2006)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *