ફિરદોસ દેખૈયા ~ફક્ત બળવો કરાવે છે

🥀🥀

ફકત બળવો કરાવે છે, કવિતા કૈં નથી કરતી,
પછી જીવતાં ચણાવે છે,કવિતા કૈં નથી કરતી.

ઘણાં યત્નો પછી ડામી હો એવી દુ:ખતી નસને
જરા અમથી દબાવે છે, કવિતા કૈં નથી કરતી.

પ્રલયની ધણધણાટી બાદની એ સુન્ન શાંતિમાં
હ્રદયને રણઝણાવે છે, કવિતા કૈં નથી કરતી.

નહિ એ યુદ્ધ જો રોકી શકી તો ટેંકની ઉપર
ફૂલોનાં ઘર વસાવે છે, કવિતા કૈં નથી કરતી.

થશે જો શાંત કોલાહલ જગતનો એ પછી હળવે-
જરા નજદીક આવે છે, કવિતા કૈં નથી કરતી.

જરા નજદીક આવીને, હ્રદયની વાત ખોલીને-
ધીમેથી સંભળાવે છે, કવિતા કૈં નથી કરતી.

જરા અમથી દબાવે છે તમારી દુ:ખતી નસને;
પછી બળવો જગાવે છે, કવિતા કૈં નથી કરતી.

~ ફિરદોસ દેખૈયા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *