🥀🥀
રખડપટ્ટી, નરી યાયાવરી ને મોજ, બીજું કૈં અમે કરતા નથી.
કદી પૂરી ન થાયે એવી કરતા ખોજ, બીજું કૈં અમે કરતા નથી.
નથી ધૂણો, નથી ખૂણો, નહિ બિસ્તર; કલંદરને તો આમે ક્યાં જવું?
કદમ જ્યાં સળવળે, આવી મળે રસ્તો જ, બીજું કૈં અમે કરતા નથી.
નહિ લશ્કર,નહિ બંદર, ન કોઈ છાવણી, ના વાવણી કોઈ છતાં,
જહાજોનાં જહાજો લાંગરે છે રોજ, બીજું કૈં અમે કરતા નથી.
ફુટે જ્યાં અંતરે ગાણું, અમારું એ જ તો નાણું, અમીરી એ ખરી,
અહીં ભરપૂર મસ્તીના છલોછલ હોજ , બીજું કૈં અમે કરતા નથી.
હવે રસ્તા ઉપરના માઈલના પથ્થર હટાવી દો, નથી ખપના કશા,
મુસાફર જીવને કેવળ સફરની મોજ, બીજું કૈં અમે કરતા નથી.
ભર્યા દરબાર છોડીને, સકળ સરકાર તોડીને, અમે નીકળી જશું,
જૂની ફિતરત અમારી, રાખીએ ના બોજ, બીજું કૈં અમે કરતા નથી.
~ ફિરદોસ દેખૈયા
