🥀🥀
કાગળના ડૂચા શી જિંદગી થઇ ને તોય સાચવીને બેઠું છે કોક
સ્હેજ પરપોટો ફૂટે ને દરિયો થઇ જાય હજુ એવા છે કેટલાય લોક
ખાલીખમ પેટના એ ખાડામાં ખુંપેલી કેટલીયે સાંઝ અહીં રોઈ છે
પાણીના કોળીયાથી માણસની સળગેલી ભૂખ અહીં ઠરતી મેં જોઈ છે
તોય હજુ ફૂટપાથે બેસીને જિંદગીઓ ગોખે છે જીવતરના શ્લોક
કાગળના ડૂચા શી જિંદગી થઇ ને તોય સાચવીને બેઠું છે કોક…….
કેટલી તિરાડ પડી અંદર ને બ્હાર તોય ચાલે છે એમ હજુ શ્વાસ
જેમ અંધારા ઓરડાને બારણાની તડમાંથી મળતો રહે આછો ઉજાસ
પાંજરાના પોપટની જેમ અહીં કેટલાય સપનાંની મરડાતી ડોક
કાગળના ડૂચા શી જિંદગી થઇને તોય સાચવીને બેઠું છે કોક
~ તેજસ દવે
માણસની સળગેલી ભૂખને કવિ પાણીના કોળિયાથી ઠારવાનું કહે છે ! આહ અને વાહ….
