🥀 🥀
ખાલી રાખી મને, ભર્યા શ્રાવણમાં…
વળી ક્યાંક વ૨સીને અંતે આવ્યો તું આંગણમાં,
ભર્યા શ્રાવણમાં…
તારા મઘમઘ મનસૂબાને વળગી કોઈ ચમેલી,
ટળવળતી રહી ખુલ્લી મારી ડૂસકાં ભરતી ડેલી;
તરસબ્હાવરી હું ક૨માઈ લૂથી લથપથ રણમાં,
ભર્યા શ્રાવણમાં…
તારા અણથક ઉજાગરાએ ભર્યો પારકો પહેરો,
ફૂટેલા પરપોટામાં હું ભ૨વા બેઠી લહેરો;
ગઈ હારને હારી, લઈને મોતી હું પાંપણમાં,
ભર્યા શ્રાવણમાં…
~ વિનોદ જોશી
પોતાનો પ્રિય અન્ય સંગે રાગરંગ ખેલે ત્યારે સ્ત્રીની વ્યથા તો જેણે ભોગવી હોય એ જ જાણે !
કલ્પનો અને કાવ્યકલાથી કાવ્ય ઝળહળે છે.
