🥀 🥀
ઊગી નથી સવાર તમારા ગયા પછી
એના જ એ વિચાર તમારા ગયા પછી
હૈયે નથી કરાર તમારા ગયા પછી
ખુશી થઈ ફરાર તમારા ગયા પછી.
બીમારની દશા વિશે જો ટુંકમાં કહું,
સૌ વ્યર્થ ઉપચાર તમારા ગયા પછી.
ભેટો થયે કહીશ વિગતવાર હું કથા,
કરતાં સ્મરણ પ્રહાર તમારા ગયા પછી.
રસ્તો, નયન અને હું હજુ ત્યાં જ બસ ઊભી
વર્ષો થયાં પસાર તમારા ગયા પછી.
પીળું જગત દીસે, બધી લીલોતરી મને
છોડી ગઈ ધરાર તમારા ગયા પછી.
કારણ વગર જ કોઈ, ‘કવિતા’ ઉદાસ છે
આવ્યો નથી નિખાર તમારા ગયા પછી.
~ કવિતા શાહ
