🥀 🥀
*રસ્તો ન થઈ શક્યો*
રસ્તો ન થઈ શક્યો તો કેડી કરીને ચાલ્યો
મારા બધા ઉચાળા મનમાં ભરીને ચાલ્યો
પ્હોંચી શક્યા ન વ્હાણો ઊંડાણના અભાવે
મછવો જરાક જેવો ત્યાંથી તરીને ચાલ્યો
પગલાં ન જાણે કોના આ રેત પર પડ્યા છે
જેની નજીકમાંથી દરિયો સરીને ચાલ્યો
મંઝિલની લાજ માટે એવુંય મેં કર્યું છે
સીધા સપાટ રસ્તે દિલથી ડરીને ચાલ્યો
સારા સમય વિશે તો એવો થયો અનુભવ
જાણે કોઈ સિતારો નભથી ખરીને ચાલ્યો
એથી વધુ શું ઈજ્જત અંધારને હું આપું?
પોતે ‘અગન’ છું તોયે ફાનસ ધરીને ચાલ્યો
~ ‘અગન’ રાજ્યગુરુ
સરસ ગઝલ…. મોટા ભાગના શેર હૃદયને સ્પર્શી જાય છે.
