🥀 🥀
હું તો માછલીની આંખોમાં ખરતાં રે આંસુનું ખારું તે ઝાડવું,
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી તડકો રે પાડવું.
મોતીની જેમ જરા સાચવીએ છીપમાં પરપોટા જેવી આ જાતને,
સૂરજનું કાળઝાળ બળવું તો ઠીક હવે જોવી છે ઘેરાતી રાતને.
અમથાં રે મોજાંના ભણકારા સાંભળી વાસેલું દ્વાર શે ઉઘાડવું?
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી તડકો રે પાડવું.
જળમાં ભીંજાઉં તો જળમાંથી કેમ હવે અળગી થઈ જાય છે ભીનાશ રે?
આંખોને શાપ કૈં એવા રે લાગતા કે ઝાડમાંથી જાય છે લીલાશ રે!
ભૂલા પડેલ કોઈ પંખીને કેમ હવે આંસુનું વન આ ચીંધાડવું,
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી તડકો રે પાડવું.
~ મહેન્દ્ર જોશી (28.9.1951)
આ ગીતને સમજવા બેસવા કરતાં એના ભાવવિશ્વમાં વિહરવાનું બહુ સુખદાયી લાગે છે. ક્યારેક કોઈક ક્ષણોએ અનુભવાયેલી કવિની અનુભૂતિ ભાવકને પોતાની સાથે ધસમસ તાણી જાય છે. ખરું ને?
