*હસ્તક્ષેપ*
જૂનું તો થયું
દેવળ જૂનું; એમાં
તારું શું ગયું ?
દિલમાં દીવો
કરો રે દીવો કરો;
રાડો ન પાડ.
બ્રહ્મ લટકાં
કરે બ્રહ્મ પાસે; તું
ચાડી ન કર.
આ તન રંગ
પતંગ સરીખો; તો
ઊડ, રાજી થા.
તરણાં ઓથે
ડુંગર કો ન દેખે;
સાલ્લાં આંધળાં.
વ્રજ વહાલું રે
વૈકુંઠ નહિ આવું;
મેં ક્યાં બોલાવ્યો ?
ઊભા રહો તો
કહું એક વાત; હું
નવરો નથી.
પ્રેમની પીડા
તે કોને કહીએ ? ભૈ
કોઈને નહીં.
મને લાગી રે
કટારી પ્રેમની; હા
કાટ ખાધેલી.
જાગીને જોઉં
જગત દીસે નહિ;
પાછો સૂઈ જા.
~ ચંદ્રકાંત ટોપીવાળા
હળવાશથી કહેવાતી જૂના સાથે નવી વાત !
