*ગતિ-સ્થિતિ*
બહુ બહુ બહુ પાંખો
ફરકાવી ફરકાવી ફરકાવીને
રંગો રંગો રંગો
ઉડાડી ઉડાડી ઉડાડીને
ઘાસિયાં મેદાનો પર
મંડરાઈ મંડરાઈ મંડરાઈને
ફૂલ ફૂલ ફૂલ પર બેસણાં
કરી કરી કરીને
સુગંધોને પી પી પીને
આકંઠ ધરાઈ ધરાઈ ધરાઈને
કર્યો છે તરબોળ
તરતો તરતો તરતો મારો સમય!
બહુ થયું
હું હવે ઉફરો માર્ગ લેવા ધારું છું
હું ફરી કોશેટાની ઇચ્છા રાખું છું
ફરી કોશેટામાં ભરાઈ
ફરી ઇયળ બની
અંતે
ફરી ઈંડું થઈ ફૂટી જવા ચાહું છું.
હું ગતિ નહીં,
હવે સ્થિતિની શોધમાં છું.
~ ચન્દ્રકાન્ત ટોપીવાળા
‘અતિ સર્વત્ર વર્જયેત’ એ શબ્દો સનાતન સત્ય છે. રમવાની, ફરવાની, ખાવા-પીવાની, લખવાની, વાંચવાની, મજા કરવાની એક હદ હોય છે અને પછી માનવી એનાથી થાકી જાય છે. દુખથી તો થાકે જ છે પણ ખુશ રહીનેય થાકે છે !! કામથી વિરામનો સમય, ગતિમાંથી સ્થિત થઈ જવાની ઈચ્છા…. આ જ જીવન.
*****
