*અહીયાં કામ નથી*
કાચાપોચાનું અહીયાં કામ નથી
માટીપગ્ગાનું અહીયાં કામ નથી
મેલ માથું ને ખાલ ખાલી કર
કાલાવાલાનું અહીયાં કામ નથી
શુભ્રતા ઝળહળાવવાની છે
કોઈ લહિયાનું અહીયાં કામ નથી
ઓગળી ઓગળી થવાનું ગુમ…
કાળમીંઢાનું અહીયાં કામ નથી
બસ કે નકરો થઈને આવી જા
માલમત્તાનું અહીયાં કામ નથી
બીડું ઉઠાવવાનું છે, મિત્રો …
છાતીહીણાનું અહીયાં કામ નથી
માથાભારેનો છે ઇલાકો, લલિત…
તારા જેવાનું અહીયાં કામ નથી
~ લલિત ત્રિવેદી
