તિરાડ પાડું
લાવ થ્યું કે જળમાં હું તિરાડ પાડું,
સેરવી પડદો ઝરણનો, પ્હાડ પાડું.
તું ઝૂકી ગઈ સાંઢણીની જેમ સાંજે,
ગઢમાં ઘડપણનાં જઈ હું રાડ પાડું.
કેટલો છે અશ્રુથી લથબથ એ જોવા
એક પરપોટાને સ્પર્શી ધાડ પાડું.
વિસ્તરી ના જાય ‘હું’નું એક જંગલ
જઈ ભીતર મારાપણાનું ઝાડ પાડું
રક્તમાં અંધારનાં ડૂમાં વહે છે,
હાથ પ્રગટાવી જરા ઉઘાડ પાડું.
ક્યાંય છે માણસપણાંનાં દૃશ્ય જોવાં
ચીથરાં આંખોનાં લઈને ત્રાડ પાડું.
~ શૈલેષ પંડયા ‘નિશેષ‘
