હું તો જ્યારે જ્યારે બેઠી,
ઇચ્છાને ફૂલક્યારે બેઠી.
શું કહું ક્યાં ને ક્યારે બેઠી,
હું તો મારી વ્હારે બેઠી!
જોવા જેવી થૈ છે તો પણ –
ભીતરને અંગારે બેઠી.
પડછાયાને પ્રશ્ન કરીને,
ઉત્તરને વરતારે બેઠી.
આજ નથી જે મારું, છોડી
કાલ ઉપર સંથારે બેઠી.
~ પ્રજ્ઞા વશી
બેસવાની ક્રિયાને કલ્પનામાં ક્યાં ક્યાં જોડી શકાય? હાશ અનુભવાય ત્યારે ફૂલક્યારે, પડકાર આવે ત્યારે ખુદની સાથે, મુસીબતોમાં અંગારા સાથે, ને સમસ્યાઓમાં સવાલો છોડીને ઉત્તરો સાથે બેસે એ સ્ત્રી. બાકી છોડવાની બાબતમાં તો એણે સદીઓથી સિદ્ધ કરેલું છે.
