ભીંતે
ચિત્રને માઠું ન લાગે ટાંગ ભીંતે
કાઢ મા એકાદ ખીલી રાખ ભીંતે
રંગ પાથરીએ ભલે લીલો-ગુલાબી
એમ ક્યાંથી ખીલવાનો ફાગ ભીંતે
કોઈ શહીદની આખરી તસવીર જોતાં
જીવતો દેખાય છે લદ્દાખ ભીંતે
હોઈ પગ તું ઘર મૂકી ભાગી ગયો
ને ઊભાંઊભ લઈ લીધો વૈરાગ ભીંતે
કેટલાં વરસે હટાવ્યાં કૈંક જાળાં
કોણ આવ્યું કહેતાં ખોલી આંખ ભીંતે
છૂ થયેલા કેદીઓના ફોટા માથે
પોલિસે ફટકાર્યે રાખી ડાંગ ભીંતે
રામની મૂર્તિ ખુદાના અક્ષરો બે
બેય જાણે ચૈત્ર ને વૈશાખ ભીંતે
~ જિતુ ત્રિવેદી, ભાવનગર
દરેક શેરમાં વૈવિધ્ય અને નવ્યતા પ્રગટ થાય છે.
@@
૨૦૧૮માં ગઝલનું રૂપ ધરવા આવેલી પંક્તિઓ આજે અચાનક ફરી મળી. હજી એમની પૂરી તહેનાત કરવા મથીશ. અત્યારે તો તમારામાંથી કોને શું ગમે છે એ જોવા પ્રસ્તુત કરવાની ઇચ્છા થઈ. યોગ્ય રીતે વિરામચિહ્નો વાપરવાં મને ગમે છતાં આદરણીય ગઝલકાર શ્રી હરકિસન જોષી માફક વિરામચિહ્નો વાપર્યા વગર પણ લખવાની આદત મારામાં જણાશે. – જિતુ ત્રિવેદી, ભાવનગર
