નિનાદ અધ્યારુ ~એને માટે

શૈશવ

એને માટે એ જ છે અક્ષર, એ જ છે એની ગીતા,
કોરે-કોરી પાટી ઉપર શૈશવ પાડે લીટા !

ચાર પગે એ ચાલે તોયે અંતર કાપે લાખ,
ચાંદામામાને ઓળખતી એની દુધિયા આંખ !

બોખું-બોખું હસતો ચહેરો કરતું અઘરા યોગ,
ફળિયાના ક્યારાની માટી એના છપ્પન ભોગ !

ચોટી એવી વાળેલી કે જાણે કોઈ તાજ,
બાળારાજા રડી-રડીને કરતું ઘરમાં રાજ !

એનો કક્કો સમજે એવો ક્યાં કોઈ ભડવીર !
ઊકેલો તો લાગે જાણે અંધારામાં તીર !!

રંગબેરંગી રમક્ક્ડાઓ એની મોટી ફોજ,
ટોટીવાળી દૂધની બોટલ બે ટાણાની લોજ !

માના હાલરડાંથી ઝરતું હરિ સમું શું હેત !
ઈશ્વરના બે રૂપ મળે છે, છેટું એક જ વેત !!

~ નિનાદ અધ્યારુ

બાળારાજાને ચાક્ષુષ કરતી આ રચના એક કામ કરે છે, મનને સભર અને હૃદયમાં સાત્વિક આનંદ ભરી દેવાનું.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *