જિગર જોષી ‘પ્રેમ’ ~ચડી કોને ચાનક?

આહા

ચડી કોને ચાનક? ચડ્યું તાન…? આહા!
ભુવન આખું જાણે કે લોબાન… આહા!

ન શ્વાસોનું પણ કંઈ રહ્યું ભાન… આહા!
અચાનક ચડ્યું આ કેવું ધ્યાન… આહા!

ખુદાએ બનાવ્યું કેવું સ્થાન… આહા!
ખરું કહું તમારી આ મુસ્કાન… આહા!

હથેળીમાં સાક્ષાત છે સરસતીજી,
ખરો હાથ લાગ્યો છે દીવાન… આહા!

કોઈ પારકું થઈ, જતું’તું એ વેળા,
શું આંખોએ આપ્યું’તું સન્માન… આહા!

આ મન જ્યારે મંજીરા જેવું બની જાય,
ખરેખર પછી માંડી જો ! કાન… આહા!

ફૂલોએ કદી પણ ન મુરજાવું ક્યાંયે,’
કર્યુ રાજવીએ આ ફરમાન… આહા!

નદી એક પાછી ચડી છે પહાડે,
પહાડોમાં જાગ્યું છે તોફાન… આહા! 

~ જિગર જોષી ‘પ્રેમ’

‘આહા’ રદ્દીફ મનમાં ‘આહા’ કરાવી દે એટલો સાર્થક થયો છે… ઊછળતી ખુશી દરેક શેરમાં એટલી જ તીવ્રતાથી છલકાય છે. અને છેલ્લે નદીને ફરી પહાડે ચડતી બતાવવામાં ભરતી એની ઊંચાઈએ પહોંચી છે. મનને સ્પર્શી જાય એવી આખી ગઝલ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *