ના ગઈ
રોજની માફક એ આજે ના ગઈ,
સાંજની પળ સાંજ સાથે ના ગઈ.
જાણ થઈ એને ઘણાં વર્ષો પછી,
ટ્રેન ખાલી ગઈ હતી, એ ના ગઈ.
સ્વપ્નમાં ફૂલો બધાં ઊડી ગયાં,
એક કળી રહી ગઈ સવારે, ના ગઈ.
કોઈ અંગત દૂર થઈને થાય ના,
ગઈ પનોતી એમ જાણે ના ગઈ.
સ્ત્રી ખરી ને! એટલે રોકાઈ ગઈ,
‘સ્તબ્ધતા’ સાથે સ્મશાને ના ગઈ.
ભૂલકાનો ભોગ લેવાયો પછી,
તે નદી ક્યારેય કાંઠે ના ગઈ.
અંધતા સીમિત નથી આંખો સુધી,
છે કયું એ અંગ જ્યાં તે ના ગઈ!
~ લિપિ ઓઝા
મત્લાનો શેર વાંચતાં જ આંખમાં ચમક આવી જાય છે અને અંત સુધી જળવાઈ રહે છે….
