ગાંધીજી અને કવિ બાલકૃષ્ણ શર્મા ‘નવીન’
યાદ તો છે કે 1933ની સાલ હતી. ઇન્દોરમાં હિંદી સાહિત્ય સંમેલન મળ્યું હતું. પ્રમુખ હતા ગાંધીજી. એમનો ઉતારો હતો રાયબહાદુર હીરાલાલ કલ્યાણમલની ‘ડાયમંડ કોઠી’માં. આ સંમેલનની પાછળ શ્રી માખનલાલ ચતુર્વેદીના અથાગ પ્રેમનું અને સર હુકમચંદના અપાર પૈસાનું બળ હતું. સંમેલન રોનકદાર હતું. ગાંધીજીને ખુશ કરવાના થઈ શકે એટલા બધા જ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સંમેલનના સૂત્રધાર બાબુશ્રી પુરુષોત્તમ ટંડનની આંખ નીચેથી એકેએક વિગત પસાર થતી હતી. પરંતુ ગાંધીજી તો મોટા મોટા ચક્રવર્તીના ઠાઠમાઠથી પણ અંજાઈ જાય એમ નહોતું. એમને પ્રસન્ન કરવા માટે કાર્યનિષ્ઠા, દૃષ્ટિસંપન્નતા અને હૃદયધર્મથી શોભતી માનવતા જોઈએ. ગાંધીજીની દક્ષિણ દૃષ્ટિ આ વસ્તુઓની શોધ કરતી જ રહેતી હતી. એટલે વિષયનિર્માયક સમિતિમાં બાપુનું વલણ તો પ્રજાકલ્યાણના કામમાં સાહિત્ય કેવો ને કેટલો ભાગ ભજવી શકે એ જ પકડવામાં રોકાયલું હતું. એટલે બધા ઠરાવોની ચકાસણી એ દૃષ્ટિએ થતી. બધી જ ભાષણોના સરવાળાનું મૂલ્ય એ હિસાબે કરાતું. એટલે સમિતિના પ્રારંભનું એમનું પ્રવચન એ જ રીતે થયું. એના પાયામાં એમણે પ્રજાધર્મની વચ્ચે લાવીને સાહિત્યને મૂક્યું. પ્રજાનું દારિદ્ર દૂર કરે, એની દીનતાને હઠાવે, એમાં દૈવત પૂરે, એને પુરુષાર્થી કરે, એની શક્તિને વિકસાવે અને એના તેજને વધારે એ સાહિત્યનું અને સાહિત્યકારનું વ્રત હોવું જોઈએ એવું દર્શન બાપુએ પોતાની હૃદયદ્રાવક સન્નિષ્ઠ વાણીમાં મૂક્યું. એટલે સંમેલનની આખી હવા એમણે બદલી નાંખી. કવિઓનાં મુખ પડી ગયાં. વાર્તાકાર મૂંગા થઈ ગયા. સાહિત્યકારો લગભગ ઉદાસ બની ગયા. ત્યાં તો એક ઠરાવ વખતે કાનપુરવાળા શ્રી બાલકૃષ્ણ શર્મા ‘નવીન’ ઊઠ્યા. ‘કુંકુમ’ના એ કવિએ કવિતાની મસ્ત બંસી છેડી. એક પછી એક કાવ્ય લલકારતા જાય ને ગાંધીજીને સંભળાવતા જાય. જનતાને કહેતા જાય કે સાહિત્ય જનતાની દાસી નથી. એની પગચંપી કરવા માટે એ નથી. સાહિત્ય પ્રજાનું ફરજંદ છે. જેવી પ્રજા તેવું સાહિત્ય. ગાંધીજી જેવી વિભૂતિ આ પ્રજામાં જન્મી છે ને જીવે છે એટલે એનું સાહિત્ય પણ એ શિખરને પહોંચશે. ગાંધીજીનું પોતાનું સાહિત્ય એની સાક્ષી પૂરે છે.
આમ હિંદી સાહિત્ય સંમેલને પ્રજા અને સાહિત્યનો સંબંધ ગાઢ કર્યો. ગાંધીજી પણ કવિની મસ્તી અને મુક્તિ જોઈને પ્રસન્ન થયા. એમને તો જ્યાં જ્યાં શક્તિ અને સન્નિષ્ઠાનાં દર્શન થતાં ત્યાં ત્યાં એમનું સ્મિત સુગંધ છલકાવ્યા વિના રહેતું નહીં.
કિશનસિંહ ચાવડા ‘અમાસના તારા’માંથી સાભાર
OP 13.10.22
સાજ મેવાડા
14-10-2022
ગાંધીજીનો સાહિત્ય ઉપર પ્રભાવ અને વિચારો એ સમયના સાહિત્યકારોએ આબાદ ઝીલ્યા છે.
છબીલભાઈ ત્રિવેદી
12-10-2022
ગાંધીજી કોઈ ની શેહ શરમ મા આવે નહી તેમનો દેહ ભલે દુબળો હતો પણ તેનુ કાળજુ વજ્ર કરતા પણ કઠોર હતુ વાહ ખુબ સરસ માહિતી આપી આભાર લતાબેન
પ્રતિભાવો