મજબૂરી છે
નામજોગી ક્યાં બધી મજબૂરી છે.
સૌને સૌની પોતિકી મજબૂરી છે.
કોઈનું કંઈ તું છુપાવી નહિ શકે,
આયના, તારી જુદી મજબૂરી છે!
સાચવી લ્યો છો સમય, સગપણ તમે,
શક્ય છે એમાં છૂપી મજબૂરી છે.
રાવ લીધાની, દીધાની ક્યાં કરું?
જ્યાં ખબર પણ પૂછવી મજબૂરી છે.
કેમ એને અવગણી આગળ વધું?
પગમાં આવી ને પડી મજબૂરી છે.
હાથ એણે કોઈ દિ’ છોડ્યો નથી,
મજબૂરીની પણ કશી મજબૂરી છે.
કામ કેવાં કેવાં થ્યા એના થકી,
કેમ કહેવું કે બૂરી મજબૂરી છે.
~લક્ષ્મી ડોબરિયા
આ ગઝલ વાસ્તવિકતાના આયનાને લઈને આવી છે. આશાવાદી થવું એ ખૂબ સારી વાત તો વાસ્તવિકતાને સ્વીકારવી એ એનાથીએ વધુ મોટી વાત. સચ્ચાઈનો સ્વીકાર માનવીમાં એક નોખી જ હિંમત પેદા કરે છે જે અંતે તો અજવાળા તરફ દોરી જાય છે.
