કાઢી ગયા
છે સલામત જે બધા ભાગી ગયા,
આગ ઓલવવા ગયા દાઝી ગયા.
આંખ રાબેતા મુજબ મીંચાઈ પણ,
સ્વપ્ન બળવાખોર થઈ આવી ગયા.
એક પલ્લામાં જરા ઇચ્છા મૂકી,
સામા પક્ષે કાટલા થાકી ગયા.
ખાલી ખિસ્સા હોત તો વાંધો ન’તો,
આ તો પગનાં તળિયા પણ ફાટી ગયા.
માંડ ચાદર પગ સુધી પહોંચી હતી,
ત્યાં બધા ભેગા થયા, કાઢી ગયા.
~ કુણાલ શાહ
છેલ્લો શેર ….. સચ્ચાઈની રજૂઆત… સોંસરવી ઊતરી જાય…
