ભાઈ લઘરા
ઓગળી ગયેલા
બરફ જેવા શબ્દોને
– આમ સરી જતા જોઈને
નિષ્પલક બનેલા
ભાઈ લઘરા !
જરા ઊંચું જો
આ હિમાલય પણ
આવતી કાલે ઓગળી જવાનો છે.
અને સરી જવાનો છે સમુદ્ર તરફ.
છતાં એ પણ હશે.
તું પણ હશે
શબ્દો પણ હશે
શબ્દોની સ્મૃતિ પણ હશે,
હશે, ઓગળવાની ક્રિયા પણ હશે.
કેમ કે…
ભાઈ લઘરા ! ઊંઘી ગયો એટલી વારમાં ?
~ લાભશંકર ઠાકર
કવિના જન્મદિવસે સ્મૃતિવંદના
