મેં આકડે ભ્રમર ગુંજરતો ય દીઠો (વસંતતિલકા)
મેં આકડે ભ્રમર ગુંજરતો ય દીઠો,
ને ઊર્વિનો અમલ નેહ મળ્યો અદીઠો !
આ ભૂમિમાંથી પ્રગટે રૂપ ભિન્નભિન્ન,
ઝેરી ક્યહીંક, ક્યહિ અમૃત, તો ય છન્ન
એની સુધા વિલસતી સહુમાં પ્રસન્ન !
હું તાહરા પ્રણયપદ્મપરે ભમેલ
ત્યારે ન જાણ, પ્રિય હે ! તુજમાં વસેલ
આ પૃથ્વીના રસ ચિરંતનની; પરંતુ
તારું મળ્યું વિષ જ્યહીં અવહેલનાનું –
એ આકડે ય મધુ હું ભમરો લહંત !
~ ભાનુપ્રસાદ ત્રિવેદી
કાવ્યસંગ્રહ ‘અલસગમના’, ‘સંગત’
