એષા દાદાવાળા ~ હું કવિતા લખું છું

સમજણ !!

હું કવિતા લખું છું
હું કવિતામાં તને લખું છું
હું કવિતામાં તને જ લખું છું

ક્યારેક વિચારું
તું ન હોય ત્યારે કવિતા હોય…
તું ન હોય ત્યારે જ કવિતા હોય…
તું ન હોય ત્યારે તો કવિતા હોય જ…

અને જ્યારે જ્યારે
મળવાનો વાયદો કરી તું નથી આવતો
ત્યારે ત્યારે
હું ‘કવિતા’ પાસે જતી રહું છું

પ્રસુતિની સરહદે
જન્મી નહીં શકેલી
થોડી-ઘણી ઘટનાઓને
સાચવી લે છે કવિતા

કવિતા મને સાચવી લે છે
કવિતા તને સાચવી લે છે

કવિતા સમજદાર છે
બે વ્યક્તિ વચ્ચે પડેલી નાનકડી
જગ્યામાં ફૂલ ઉગાડી શકે છે !!

~ એષા દાદાવાળા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *