તમારા પ્રેમમય વિશ્વમાં
તમારા (કહેવાતા) પ્રેમમય વિશ્વમાં
જીવનનો હિસાબ માંગતા
ઘડિયાળના કાંટા છે,
ત્વચા ઊતરડી નાંખતા
પ્રેમના નહોર છે,
સ્પર્શતી આંગળીઓમાં
થીજી ગયેલી નદીઓ છે,
ચૂમતા હોઠમાં
ઘસડાઈ આવેલો નર્યો કાંપ છે,
આલિંગવા આવતા હાથમાં
સંબંધના કજળી ગયેલા દીવાની વાસ છે.
સતત વાતા વાવાઝોડાથી
કંપી કંપીને
હું
સૂક્કુંભઠ્ઠ વૃક્ષ થઈ ગઈ છું.
હું વિનવું છું-
તમારું પ્રેમમય વિશ્વ પાછું લઈ લો
ને મને મારું
એકલવાયું વિશ્વ પાછું આપો.
સાચે જ, હું જીવી જઈશ.
~ પન્ના નાયક
