નિરાકાર રહી ગયો
કંડારવા જતાં તું નિરાકાર રહી ગયો ઈશ્વર !
તું કેવો મારી નજર બહા૨ રહી ગયો !
આ પાર કશું રહ્યું નહીં, રણકાર રહી ગયો
એક તાર જે હતો તે પેલે પાર રહી ગયો
શણગાર એનો તેં જ ઉતારી લીધો, ગઝલ !
આકા૨ ના રહ્યો, નર્યો અવતાર રહી ગયો !
ઓળખ તો શું એનો તો ચહેરો પણ રહ્યો નથી
માથું મૂકી દઈ જે તારે દ્વાર રહી ગયો !
અંદર ગયા પછી કદી પાછો ફર્યો નથી
તારાં પગથિયે જેનો સારાસાર રહી ગયો !
કેવળ પલળવું રહી ગયું …ન કાયા પણ રહી
આકાશ ના રહ્યું ને અનરાધાર રહી ગયો !
જ્યારે તને ધરાઈ ધરાઈને જોઈશ હું
ત્યારે કહીશ કે તારો તો આકાર રહી ગયો !
~ લલિત ત્રિવેદી
ઈશ્વર સાથે એક અનોખો સંવાદ. ‘કેવળ પલળવું રહી ગયું …ન કાયા પણ રહી’ – એકાત્મકતાની અવધિ
