જયેન્દ્ર શેખડીવાળા ~ ભોમિયા ભોંઠા પડે

એવું કરો

ભોમિયા ભોંઠા પડે એવું કરો,
આંસુની સરહદ જડે એવું કરો.

સૂર્યને મૂકી ચરણના તાળવે
જળ ઉપર પગલાં પડે એવું કરો.

જળની ભાષામાં કિરણ જે ઓચરે,
વાંચતાં એ આવડે એવું કરો.

ભીંત પર ચિતરી ફૂલો ભીનાશનાં,
અશ્રુછાયા સાંપડે એવું કરો.

આ ગઝલ ઊતરીને ઊંડે કાનમાં,
શિલ્પ આંસુનાં ઘડે એવું કરો.

~ જયેન્દ્ર શેખડીવાળા

આંસુની સરહદથી માંડીને આંસુના શિલ્પ ઘડવાની વાત આવા કવિ જ કરી શકે…. શબ્દોથી ખસીને, ઊંડા ઊતરીને ભાવના શિલ્પ નિહાળતા શીખવાનું છે. તો કદાચ એને પામતાં આવડે !   

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *