લક્ષ્મી ડોબરિયા ~ આસ્થા છે આગવી

આગવું મારું વલણ

આસ્થા છે આગવી ને આગવું મારું વલણ.
ને, કૃપા છે આગવી ને આગવું મારું વલણ.

મેં ઝીલી તો દર્દની સોળે કળા ખીલી ગઈ,
આપદા છે આગવી ને આગવું મારું વલણ.

છે ધીરજ ને છે અરજ કે, જઈ શકું મારા સુધી,
જાતરા છે આગવી ને આગવું મારું વલણ.

ભીતરે વાળી નજર તો દૂરનું ભાળી શકી,
આ દશા છે આગવી ને આગવું મારું વલણ.

લ્હેરખી લટને રમાડે, વાયરો વાતો કહે,
ધારણાં છે આગવી ને આગવું મારું વલણ.

કંઈ નથી માં છે ઘણું, એ સાર અંતે તારવ્યો,
વારતા છે આગવી ને આગવું મારું વલણ.

દંભ, મ્હોરાં, ભ્રમ ઘણાં તૂટ્યા, ઘણાં મેં સાચવ્યા,
સાધના છે આગવી ને આગવું મારું વલણ.

~ લક્ષ્મી ડોબરિયા

લાંબો રદીફ પણ સરસ સચવાયો છે. ગઝલમાં કવિનો એક મિજાજ, એનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉપસી આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *