દેડકી
ના હું તારાં ચરણોની જૂઈ, ચમેલી, કેતકી ;
હરિવર…! હું તો બસ તળાવજળ કેરી એક દેડકી…!
જળ એ જ જગત આખું , એટલું જ બસ હું તો જાણું…!
ઊછળકૂદ ને ચલક-ચલાણું રોજ રોજ હું તો માણું…!
જચ્ચા બચ્ચા અઢળક મારે, ને તેમની મા હું દેવકી…!
હરિવર..! હું તો બસ તળાવજળ કેરી એક દેડકી…!
રાત પડે અને દિ ઉગે અમારે, ગુંજે તમરાનું ગુંજન…!
સર સર વાતો વાયરો ય બજાવે મધુર સપ્તકનું ગુન ગુન..!
ડ્રાઉ ડ્રાઉ ગાઉં ને ઉપડે તુજ નામ કેરી હેડકી…!
હરિવર..! હું તો બસ તળાવજળ કેરી એક દેડકી…
માંહે પડ્યાં તે મહાસુખ માણે, ભલે મળે મોતી કાચું…!
જગ આખાની ચિંતા શું કરવી,
જળ-સમાધિમા સુખ સાચું…!
ના જપમાળા, ન ટીલાં ટપકાં, હું તો અબુધનાર મેઢકી…!
હરિવર….! હું તો બસ તળાવજળ કેરી એક દેડકી…!
~ સુરેશ’ચંદ્ર’રાવલ
