આપણે
કાગળો અક્ષર વગર તે આપણે,
શબ્દ-વિણ ખાલી નગર તે આપણે.
લાગણીની ઓટ છે, ભરતી નથી,
સાવ ખારા દવ અગર તે આપણે.
આજ પાછી યાદ આવી છે તરસ,
વિસ્મરણથી તરબતર તે આપણે.
આજના છાપા સમા તાજા છતાં
જિંદગીથી બેખબર તે આપણે.
ટેરવાંમાં સ્પર્શ નામે શ્હેર છે
આમ જોકે ઘર વગર તે આપણે.
~ મણિલાલ હ. પટેલ
હું, તમે અને સૌની લાગણીની, વેદનાની અભિવ્યક્તિ. અક્ષર વગરનો કાગળ કેવો નમાયો, ઓશિયાળો લાગે ! સીધું હૈયામાં ઊતરી જાય એવું કલ્પન અને છેલ્લો શેર … ‘ટેરવામાં સ્પર્શ નામે શ્હેર છે…. વાહ કવિ ! અદભૂત…
