સૂરજ વિનાનું સાવ ગામ
શમણાં આવે ને તો યે કાળાંડિબાણ
એવું સૂરજ વિનાનું સાવ ગામ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં
સૂઝે નહીં શમણું કે કામ
એવાં અણરૂપ અમે કેવાં લાગ્યાં કે
કોઈ લીલા રણવાસ આમ વીસરે
તકતે જોઉં ત્યાં આંખ આડે ઘેરાઈ જતી
ભીની તરબોળ ભીંત નીતરે
મારી હથેળીયુંની મેંદી ચીંધીને
કોઇ કહેતું’તું, – જાળવશું આમ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં
સૂઝે નહીં શમણું કે કામ
સળકે ચોપાસ ઠેઠ અંધારી લૂ
ને મારી ભાતીગળ ઓઢણી ચિરાતી
લીલું એકાદ પાન ઠેસમાં ચડે છે
ત્યારે રૂ-શી પીંજાઈ જતી છાતી
તડકા રે હોય તો તો છાંયડા વિનાના
કહી દુ:ખને અપાય કાંક નામ
શમણાં આવે ને તો યે કાળાંડિબાણ
એવું સૂરજ વિનાનું સાવ ગામ.
~ રમેશ પારેખ
