બોલવા લાગે
અબોલા લઈને બેઠા છે પરસ્પર બોલવા લાગે,
મિલન મજલિસો જામે ને બેઘર બોલવા લાગે.
સવાકો થાય અવાકો દેહ નશ્વર બોલવા લાગે,
તમે બોલો તો સાથોસાથ પથ્થર બોલવા લાગે.
તમારા રૂપની ચર્ચા શરૂ થઈ જાય તો ચોક્કસ,
ધરા બોલે, ગગન બોલે, ને સાગર બોલવા લાગે.
ગયું છે બાગમાં કોણ અશ્રુભીની આંખો લઈ,
મળે વાચા તો ફૂલો ડાળ ઉપર બોલવા લાગે.
કુવો જાગી ઉઠે પાણીનું હૈયું થનગની ઉઠે,
પરોઢે જ્યારે પનિહારીના ઝાંઝર બોલવા લાગે.
મિલન વેળાની મસ્તી જીભ પર આવી નથી શકતી,
નવોઢા ચુપ રહે ફૂલોની ચાદર બોલવા લાગે.
નજર પાસે જો સમૃદ્ધિની મૂડી હોય તો મિત્રો,
ઈમારત કેટલી સધ્ધર છે, ચણતર બોલવા લાગે.
સમજદારી વધે તો બોલવાની ટેવ છૂટે છે,
ખૂલે ના જીભ જેની એનું અંતર બોલવા લાગે.
‘અઝીઝે’ ક્યાં હજી બારાખડી પણ સાચી શીખી છે,
સભા વચ્ચે ભલા ક્યાંથી બરાબર બોલવા લાગે ?
~ અઝીઝ કાદરી
