પાગલ છું હું
લખવા જેવું કાંઈ નથી ને તોય લખું છું – પાગલ છું હું
કહેવા જેવું કાંઈ નથી ને તોય કહું છું – પાગલ છું હું.
ભીડની વચ્ચે જન્મેલો છું, ભીડ મને ભીંસે છે કાયમ,
ખસવા જેવું કાંઈ નથી ને તોય ખસું છું – પાગલ છું હું.
ચારે કોર પડ્યા છે પથ્થર, ચકમકનો આભાસ ધરીને,
ઘસવા જેવું કાંઈ નથી ને તોય ઘસું છું – પાગલ છું હું.
સાચા-ખોટા, અસલી-નકલી, બંધન તોડી મુક્ત થવાને,
મથવા જેવું કાંઈ નથી ને તોય મથું છું – પાગલ છું હું.
ફેલાઈ છે ગંધ હવામાં, મરતા માણસનાં મડદાંની,
શ્વસવા જેવું કાંઈ નથી ને તોય શ્વસું છું – પાગલ છું હું.
આમ જુઓ તો ભીડ શહેરમાં, આમ જુઓ તો ખાલીખમ છે,
વસવા જેવું કાંઈ નથી ને તોય વસું છું – પાગલ છું હું.
~ પરાજિત ડાભી
