પાંદડું પરદેશી !
ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો કે પાંદડું પરદેશી !
એ તો બેઠું મારા ચંપાની ડાળે કે પાંદડું પરદેશી !
એનાં ફૂલડાં ખરી પડ્યાં અકાળે! કે પાંદડું પરદેશી!
મેં તો હારમહીં ગૂંથાવ્યું, કે પાંદડું પરદેશી !
એણે ફૂલ એક એક કરમાવ્યું કે પાંદડું પરદેશી !
એને નદીને નીર પધરાવ્યું કે પાંદડું પરદેશી !
એ તો દરિયેથી પાછું આવ્યું કે પાંદડું પરદેશી !
મેં તો ખોદી જમીનમાં દાટ્યું કે પાંદડું પરદેશી !
ત્યાં તો ફણગો થઈને ફાટ્યું ! કે પાંદડું પરદેશી !
મારી સખીએ બતાવ્યું સ્હેલું, કે પાંદડું પરદેશી !
એક ફૂંક ભેળું ઉડાડી મેલ્યું કે પાંદડું પરદેશી !
~ રામનારાયણ વિ. પાઠક ‘શેષ’
અદ્દલ લોકગીત લાગતું આ ગીત માંહ્યલાને ઉદ્દેશીને લખાયેલું છે… કેવું મજાનું !
