જ્યારે બજરંગબલી જાગશે !
જ્યારે બજરંગબલી જાગશે !
લંકામાં આગ ફરી લાગશે,
જ્યારે બજરંગબલી જાગશે !
એક ગદામાં જુઠ્ઠાણું ભાંગશે,
જ્યારે બજરંગબલી જાગશે !
સેવા હનુમાન કરે એવું ઈચ્છો છો તો
પહેલા તો લઈ આવો રામ
ભાગેલી નહીં એ તો જાગેલી જીન્દગીના
દોડી દોડીને કરે કામ
ચરણરજ એની એ માથે ચડાવશે ને
બેસવાનું સામેથી માંગશે
જ્યારે બજરંગબલી જાગશે !
આ તો છે આખ્ખી’યે દુનીયાના દાદા ને
દાદાને સળીયું ના હોય
વિકૃતિ જન્મે જ્યાં એવા દિમાગની તો
સાફ સૂફી કરો ધોઈ ધોઈ
મંદિરને બદલે શોકેશ બની જાશે ત્યાં
જેને હનુમંતપણું ત્યાગશે
જ્યારે બજરંગબલી જાગશે !
~ કૃષ્ણ દવે
તા-31-8-2023
આજકાલ બે વિવાદો સૌની જીભે ચડ્યા છે. એકનું સમાધાન થયું છે. બીજું હજી ‘ધર્મ’ એટલે શું એ પ્રશ્નાર્થ પકડીને ઊભું છે. કોઈને ‘નાના’ બનાવવામાં ધર્મ તો નથી જ પણ આવી વૃત્તિ ક્ષુદ્રતાની પરાકાષ્ઠા છે.
