મિત્રો
ભૂલ્યા કેમ ભુલાશો મિત્રો ?
ઘાવ હજુ તાજા છે બરડે !
ઊંડા ઘા તો કૈંક સહ્યા પણ
જાન ગયો છે એક ઉઝરડે !
ઇર્ષ્યા જ્યારે આળસ મરડે
પડખે રહેલાં ફૂલો કરડે
ધોઇ નાખ્યા હાથ સ્વજનથી
કોણ હવે શત્રુમાં ખરડે ?
મેરુનો મહિમા ગાનારા
અંજાયા છે એક ભમરડે
કહેશે કોણ ઝવેરી તમને
ફેંકી દીધાં રત્ન ઉકરડે !
~ અમર પાલનપુરી
