પડછાયો
પડછાયો મારો દોસ્ત બનીને રહેતો મારી સાથે,
સાવ ટચૂકડો થઈ જાતો, જો સૂરજ આવે માથે.
હું બેસું તો બેસી જાતો, હું ચાલું તો ચાલે,
મારી મરજી જાણી લઈને મારી સાથે મ્હાલે.
હું હસું તો હસવા માંડે, હું રડું તો રડે,
રસ્તે જાતાં હું લથડું તો ધબ્બ દઈને પડે.
અંધારાથી બહુ બીએ ને અંધારાથી ભાગે,
મારી અંદર સંતાઈ જાવા થોડી જગ્યા માગે.
ભણવા બેસું ત્યારે એ પણ મારી સાથે ભણે,
અઘરા દાખલા પણ ફટાફટ મારી સાથે ગણે.
~ રામુ પટેલ ડરણકર
‘કાવ્યવિશ્વ’ને આ બાળકાવ્યસંગ્રહ મોકલવા બદલ આભાર
‘તડકાના ઝાંઝર’ ~ રામુ પટેલ ડરણકર * સાર્થક 2020