ઘર
એક ઘરની નીંવ કે તેની ઈંટમાં
તિરાડ પડતાં આખું ઘર
હચમચી જાય છે –
તેની કોઈને ખબર પડતી નથી.
કાચ, સિમેન્ટ, કોંક્રીટ, લાકડું, લોઢું
પૂરક પ્રશ્નોનું ઉ૫૨ અવકાશમાં
રચાતું માળખું કે ભ્રાંતિ ?
બાળપણમાં રમાયેલા ઘર ઘરના ગોખો
ઊગી ગયા’તા તે માળખામાં
તેમાંના કેટલાક ગોખો
પુરાઈ ગયા કાળના સિમેન્ટથી,
બાકી જે રહ્યા તે
મારા ચહેરે તરડાઈ ગયા.
મારો ચહેરો તો કાળા પથ્થરની ખંડિત પ્રતિમા;
તેની આંખો બે સ્થિર ભમરા ન ગણગણે!
ન ગણગણે !
~ નલિન પંડ્યા
