પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’ ~ ક્ષણ પછી ક્ષણ

ક્ષણ પછી ક્ષણ તોડતાં થોડો સમય તો લાગશે,

અંચળો ફંગોળતા, થોડો સમય તો લાગશે.

મેં મને પૂરી હતી, સીમિત કરીને (કૌંસ)માં,

‘અવતરણ’માં લાવતાં, થોડો સમય તો લાગશે.

એક પથ્થરને મેં પૂજી, સ્થાપી તો દીધી મૂરત,

પ્રાણ એમાં પૂરતા, થોડો સમય તો લાગશે

શબ્દ મારાં ટળવળે છે હોઠ પર એના સતત,

મૌનને ઢંઢોળતાં થોડો સમય તો લાગશે.

આયનામાં તડ પડી ગઈ ‘ને થયા ચહેરા અનેક,

બિંબ સઘળાં જોડતાં થોડો સમય તો લાગશે.

ટેરવાં પર સ્પર્શ તારો જો હજુ ટહુક્યા કરે,

ટેરવાં  ખંખેરતા  થોડો  સમય  તો  લાગશે

હું મને ‘શીર્ષક’ સમજતી, માન્યતા ખોટી ઠરી,

‘હાંસિયે છું’ માનતાં, થોડો સમય તો લાગશે.

~ પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’

બહેનોને લખતી કરવા માટે શ્રી ધીરુબહેન પટેલે ઘણી મહેનત કરી હતી. આનંદ છે કે સાહિત્ય અને દરેક ક્ષેત્રે બહેનો હવે ખૂબ કામ કરે છે. પૂર્ણિમાબહેનની આ સરસ ગઝલ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *