રક્ષા શાહ ~ ગામમાં

ગામમાં માલદાર લાગે છે,
એટલે ત્યાં કતાર લાગે છે.

એક હુંકારને ઘટાડયો મેં,
એ જ ‘હું’ ઓમકાર લાગે છે.

એમના હાથમાં કલમ જોઈ,
દર્દના એ સુથાર લાગે છે.

કેમ ‘આભાર’ ના ગમે, હેં મા?
તો કહે,”એ જ ભાર લાગે છે.”

એક પર એક ફ્રી મળે મનમાં,
ધારણાનું બજાર લાગે છે!

યાદને યાદ રાખતા’તા ને!
યાદના જાણકાર લાગે છે.

બાપનો હાથ જ્યાં ફર્યો માથે,
તો અલગ સારવાર લાગે છે.

ફોતરાં જેમ જીવ પણ ઉડશે,
તો પછી કેમ ભાર લાગે છે?

એક સેકંડ ના મળી મા તો,
સોમ થી શુક્રવાર લાગે છે.

~ રક્ષા શાહ

નાવીન્યની તાજગી તો છે જ…

બીજો અને આઠમો શેર સ્પર્શી ગયા.   

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *