કાજલ ઓઝા – આજે મને   

🥀🥀

આજે મને પહેલીવાર સમજાયું કે
ગોઠવણ એટલે શું ?
રંગરોગાન વગરના સંબંધનો ચહેરો
પહેલીવાર ધોધમાર અજવાળામાં
આંખ સામે ખૂલી ગયો !

તું… જાણે સામે કિનારે
અને તારી આસપાસ નાચતી
નિર્વસ્ત્ર હકીકતોની ભૂતાવળ……

આ કિનારે એકલીઅટૂલી હું.
મારા ખિસ્સામાં
મારી અપેક્ષાઓ, અધિકારોનું ચુંથાયેલું લિસ્ટ……..
કહેલા-ન કહેલા, માની લીધેલા શબ્દોના, લીરેલીરા !
આંખમાં રેતી ને હોઠ પર ઝાંઝવા,

આપણી વચ્ચેના પુલને
ફુરચેફુરચા થઇ ઊડી જતો જોઇ રહ્યા છીએ
આપણે બંને – અસહાય !

~ કાજલ ઓઝા 

દિવ્ય ભાસ્કર @ કાવ્યસેતુ 310 @ 12 ડિસેમ્બર 2017 * લતા હિરાણી

કાજલ ઓઝા આમ તો વાર્તાઓ, નવલકથાઓ માટે ખૂબ જાણીતું અને માનીતું નામ છે. કાવ્યો એમણે ઓછા લખ્યાં છે એમાંનું આ કાવ્ય… સંબંધની લાચારીને રજૂ કરતું અછાંદસ. સંબંધ એટલે શું ? જે બાંધી રાખે એ કે જે મોકળાશ આપે એ ? બેયનું સંમિશ્રણ ? બહુ અઘરો સવાલ છે. ચોક્કસ જવાબ આપી ન શકાય. એક આકાર મનમાં નક્કી કરશું ને બીજી વ્યક્તિ પાસે જતાં કે બીજા સંબંધને સ્પર્શતા જ એમાં બદલાવ લાવવો જરૂરી બની જશે.

બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ, જે ક્યારેલ લીલોછમ બની ઊગ્યો હશે, કોળ્યો હશે, એની ડાળે ડાળે વસંત ઊગી હશે ને કોયલો ટહૂકી હશે….. હવે શું બચ્યું છે ? નકરી પાનખર ? સૂકકાં પર્ણો ને મુરઝાએલાં ફૂલો ? ક્યારેક એ આકાશે નજર માંડીને ઊભો હશે ને હવે ધરતી સાથે નજર નથી મિલાવી શકતો ! ફૂલોની સુગંધ અને ડાળીઓની નસોમાં વહેતું લીલું દ્રવ્ય ખતમ થઈ ગયું. એની નજાકત, લચીલાપણું નષ્ટ થઈ ગયું. હવે શું ? આ સુખ સાચું હતું કે આભાસી ?

રૂચે નહી છતાંય આ હકીકત છે કે સંબંધનેય રંગરોગાન થાય છે, એને સજાવાય છે, મેકઅપ થાય છે. એ જ્યાં જોડાયેલું છે, એનાથી એનું સાચું સ્વરૂપ છુપાવવાના પ્રયત્નો થાય છે. પછી કોઇક દિવસ તો એવો જરૂર આવે છે જ્યારે નકાબ ખુલી જાય છે ને રંગો ખરી પડે છે. બેરંગ તસવીર નજર સામે વિકરાળ થતી જાય છે ને એમાં સચ્ચાઇનો નગ્ન નાચ આંખોના સઘળાં જળ સુકવી નાખે છે. સંબંધમાંથી નજાકત ખતમ થઈ જાય અને નરી ગોઠવણ હાડપિંજરની જેમ આંખ સામે ઉપસી આવે ત્યારની ભયાનકતા સહી ન શકાય એવી હોય. મેકઅપનો મુખવટો ખરી પડે ત્યારે દેખાતો વરવો ચહેરો સહેવો અઘરો બની જાય. બહાર ધોધમાર અજવાળું છતાંય આંખે અંધારા છવાઈ જાય ને એમાંથી ચૂવે છે કોરી નાખતી ગોઠવણ !

નાયિકા ડૂબેલી નથી કેમ કે હવે ડૂબવા જેવું કશું બચ્યું જ નથી. સંબંધની ભીનાશ સુકાઇ ગઇ છે. બંને વચ્ચે વહેતી નદીમાં માત્ર ધૂળ ને ઢેફાં બચ્યાં છે. નાયિકાની આંખમાં જળ નથી, રેતી છે. સતત ખુંચ્યા કરતી રેતી. જોવાની વાત એ છે કે આંખમાં ખુંચતું એકાદ કણું પણ આંસુ વહેવડાવે ત્યારે અહીંયા ચૂરચૂર થયેલા સંબંધની રેતી છે.. જેણે આંખની ભીનાશ સાવ સૂકવી દીધી છે… હોઠ પર તરસ તો હોય જ પણ એમાં લીંપાયા છે ઝાંઝવા… એની તરસ કદીયે નથી છિપવાની !! આ આખાય અનુસંધાન પછી સંબંધનો પૂલ સાબુત રહી શકે એ માનવું દુષ્કર છે. એના ફુરચેફુરચા જ હોય. એના પર મંડાયેલા ડગલાંના નિશાન શોધવાયે મુશ્કેલ બને એટલાં… અને અંતમાં નાયિકા કહે છે ‘આપણે બંને – અસહાય’ આ જ ખૂબી છે કાવ્યની… બહુ સમજણની આ વાત છે એટલે જ અહીં આક્રોશ છે પણ આરોપ નથી. અંદર ઊંડે ઊંડે ક્યાંક આ આખી ઘટમાળમાં પોતાની જવાબદારી પણ સૂચવાય છે !!

કવિ અશોકપુરી ગોસ્વામી લખે છે,

સાવ સાદો દાખલો ખોટો થયો
એક ડાઘો ભૂંસતાં મોટો થયો.

જીતવું પણ હારના જેવું હતું
આપણો જુદો નફો-તોટો થયો.

નાયિકાની આંખમાં જળ નથી. ઊંટની પીઠ પર લદાયેલા રણથી આંખો લાલચોળ છે. કુમળા પડળોની શી દશા થઇ હશે ? આ આખાય દૃશ્ય પછી સંબંધનો પૂલ સાબુત રહી શકે એ માનવું દુષ્કર છે. એના ફુરચેફુરચા જ હોય, એના પર કદીક મંડાયેલા ડગલાંના નિશાન શોધવાંયે મુશ્કેલ બને એટલાં. બંને જોઈ રહ્યા છે એમની વચ્ચેના પૂલને… હવે એના અંશોય વેરવિખેર થઈ ઊડે છે. એ ખૂદ જ તૂટી રહ્યો છે ત્યાં જોડાવાનો કોઈ સવાલ બચતો નથી. બચી છે માત્ર લાચારી, અસહાયતા ને આંસુ…

માનવી કદીયે પોતાની અપેક્ષાઓ, આકાંક્ષાઓથી મુક્તિ નથી મેળવી શકતો. પોતાના અધિકારોથી મન વાળી નથી શકતો. જે દિવસે એ એવું કરી શકશે ત્યારે એ સામાન્ય મનુષ્ય મટીને મહાત્મા બની જશે.. પણ આ સૃષ્ટિમાં વસતા એક અદના માનવીનું આ ગજું નથી. એટલે જ અપેક્ષાઓ અને એનાથી મળતી નિરાશા, આકાંક્ષાઓ અને પછી ફરી વળતી હતાશા… અધિકારોના ચોળાયેલા લિસ્ટની ફરી ગડી વાળવી મુશ્કેલ બને છે.. આવું જ્યારે બીજા સંબંધોમાં બને છે ત્યારે મન દુભાય છે પણ આ સાવ પોતાની, જેને હૃદયમાં સ્થાન આપ્યું છે એવી વ્યક્તિ તરફથી બને છે ત્યારે મનની આખી નદી સૂક્કીભઠ્ઠ થઇ જાય છે.

અપેક્ષાઓ જેમ મુશ્કેલી સર્જે છે એમ સંવાદો પણ.. સંવાદ જ્યારે વિસંવાદ થાય છે, શબ્દો ક્યારેક બોલાઇને ને ક્યારેક નહીં બોલાઇને પણ સંબંધમાં ઝંઝાવાતો લાવી દે છે. શબ્દના કે મૌનના અનેક અર્થઘટનો થઇ શકે પણ એની પાછળ સંબંધના ખરા સ્વરૂપનો આખો સંદર્ભ ભર્યો હોય. એની સમજણ પાછળ જીવાયેલી જિંદગીનો ઇતિહાસ દટાયેલો હોય. એટલે એને જીવનાર કે ઝીલનાર સિવાય બીજી કોઇ વ્યક્તિ એનો ન્યાય ન કરી શકે !

આ અછાંદસ કાવ્યમાં શરૂઆતમાં જ ‘પહેલીવાર’ શબ્દનો બે વાર ઉપયોગ જરા કઠે છે પણ આખીયે કવિતામાં સંબંધના ભાવપક્ષનો ખૂબ સરસ ઉઘાડ છે. સંબંધના એકએક પડને ખોલતી ને સૂક્કી આંખે તોલતી આ ભાવધારામાં બે વાત બહુ મહત્વપૂર્ણ છે. ‘માની લીધેલા શબ્દોના….’ અને ‘આપણે બંન્ને – અસહાય !…’ આ બે શબ્દાવલિ વગર કદાચ આખી વાત એકાંગી બની રહેવાનો સંભવ રહેત. કાવ્યમાં સંબંધના અંતની કે તૂટવાની વાત તો સ્પષ્ટ જ છે પણ આ શબ્દો દ્વારા કવયિત્રીએ તૂટેલા સંબંધનેય સમતુલા બક્ષી દીધી છે, ન્યાય આપી દીધો છે. ’માની લીધેલા શબ્દોના…..’ કહીને દર્શાવ્યું છે કે એકબીજાને સમજવામાં ભૂલ બંને પક્ષે હોઇ શકે… અને એમ જ ’આપણે બંને – અસહાય..’.. અર્થાત તૂટવાની પીડા અને લાચારીય બંને પક્ષે… સંબંધનો સેતુ નષ્ટ થયા પછીયે કવયિત્રીએ સમજણના દોરને સંભાળવાનો પ્રયત્ન કર્યો છે જે કવિતાના ભાવપક્ષને સમતુલિત કરવાની સાથે સાથે, કાવ્યતત્વને પણ સલુકાઈથી સંભાળી લે છે. 

6 thoughts on “કાજલ ઓઝા – આજે મને   ”

  1. સંબંધ ની ગડ ઉકેલતી અને સંબંધ ના તૂટન ને અસહાય રીતે જોવું એ પીડા ની વાત લ ઈને કવયિત્રી આસ્વાદક બન્ને સંબંધ ના બંધન ની દુખતી નસ ના દરદ ની વાત કરે છે. બહુ જ સુંદર કાવ્ય અને આસ્વાદ.

  2. સંબંધો ટકે કે ટૂટે, જો સમજણ હોય તો બંને ‘અસહાય’ છે માનીને જીવી જવું જ યોગ્ય છે. સરસ કાવ્યાભિવ્યક્તિ, અને વિસ્તૃત આસ્વાદ પણ.

  3. સુરેશ 'ચંદ્ર'રાવલ

    સબંધો વચ્ચે નો પુલ જ્યારે તૂટી જાય અને તે કવિયત્રીની વ્યથા હદય પર ચોટ કરી જાય છે અને અછાંદસ કાવ્ય પરનું લતાબેનનુ દીર્ઘ વિવેચન કાવ્યને ટોચ સુધી લઈ જાય છે… સુંદર કાવ્ય… અભિનંદન…!

  4. આસ્વાદ ગમ્યો એ માટે આભારી છું સુરેશભાઈ, છબીલભાઈ, મેવાડાજી, એક અનામી ભાઈ/બહેન અને ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રો.
    લતા હિરાણી

  5. કાઝલની કવિતામાં વેદનાની સચ્ચાઈ છે અને કવિયત્રીના જીવન દર્શનના લબકારા છે.દરેક સંબંધ સપનાઓ સાથે લડતો રહે છે જેની કરૂણ અભિવ્યક્તિ હ્રદયસ્પર્શી બની રહે છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *