અશોકપુરી ગોસ્વામી ~ સાવ સાદો દાખલો

સાવ સાદો દાખલો

સાવ સાદો દાખલો ખોટો થયો
એક ડાઘો ભૂંસતા મોટો થયો.

જીતવું પણ હારના જેવું હતું.
આપણો જુદો નફો-તોટો થયો.

જન્મ પામ્યા કે જીવન પૂરું થયું,
જળની અંદર જેમ પરપોટો થયો.

ક્યાં બુલંદી કોઈને કાયમ મળી?
એક તારો એક લિસોટો થયો.

આયનામાં કાલ જે જીવતો હતો
એ જ માણસ આખરે ફોટો થયો.

અશોકપુરી ગોસ્વામી

જીવનનું ચિંતન સાદા દાખલા જેવા શબ્દોમાં ઝળકે છે. નાનકડું સહજ પગલું ખોટી દિશાનું સાબિત થાય એવા અનુભવો થયા ન હોય એવું કોઈ હોય ખરું ? આ શેરની બીજી પંક્તિ ખૂબ અસરદાર છે. ‘એક ડાઘો ભૂંસતા મોટો થયો’ માં પ્રતિક યોજના કેટલી સુંદર! ભૂલને છુપાવવાના પ્રયત્ન એને વધારે ઉઘાડી કરે એય લગભગ દરેકે અનુભવેલી બાબત. તો છેલ્લો શેર કેવી ઊંડી ચોટ આપે છે! 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *